રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ જમીન પોતાની માલિકીની હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકાર પાસેથી જમીન સંપાદન પેટે રૂ. 1.46 કરોડ મેળવી લીધા હતા. જે બાદ એક વ્યક્તિએ આ જમીન પોતાની હોવાનું જણાવી વળતર માંગતા આ અંગેના કેસમાં રાજકોટ શહેર-2 નાયબ કલેક્ટર દ્વારા વળતર પરત આપવા દંપતીને હુકમ કર્યો હતો. જે બાદ દંપતીએ હાઇકોર્ટમાં કેસ કરતાં હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. તેથી રાજકોટ શહેર પ્રાંત-2 દ્વારા દંપતીને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે. હવે આ દંપતી વળતર નહીં ચૂકવે તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે અથવા તો કંટેમ્પટ ઓફ કોર્ટ દાખલ કરવામાં આવશે. જોકે, 19 વર્ષ જૂના પ્રકરણમાં હવે જમીન સંપાદનનું વળતર ખોટા વ્યક્તિને કરાઇ ગયાનું સામે આવ્યું છે.
દંપતીએ જમીન પોતાની હોવાનું દર્શાવ્યું
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટની પી.ડી.એમ. કોલેજ પાસે રામનગર-8માં રહેતા કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેના પતિ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણીએ કુવાડવાની સર્વે નં. 545 પૈકીની બિનખેતી પ્લોટની 1,145 ચોરસ મીટર જમીન પોતાની હોવાનું દર્શાવી સરકાર તરફથી રૂ.1,46,57,099નું વળતર મેળવી લીધું હતું. તંત્રએ જે તે સમયે ગામ દફતરના રેકોર્ડ ધ્યાને લઈ વળતર આપ્યું હતું. દરમિયાન કોલકાતામાં રહેતા પન્નાલાલ પીરચંદ કોચરે આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો અને આ જમીનનો 2004માં કરેલા દસ્તાવેજ રજૂ કર્યો હતો.