રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવાર અને રવિવારના દિવસોમાં મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં સવારે 9થી 1 દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આ દરમિયાન વિધાનસભા 69 દક્ષિણમાં શેઠ હાઈસ્કૂલ ખાતે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી તો ત્યાં લોકો મતદાર ગણતરી ફોર્મ લેવાની સાથે તે ફોર્મ ભરીને પરત આપી રહ્યા હતા. જ્યારે BLO દ્વારા ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન અહીં આવેલા મતદારે કહ્યું કે, મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ જે 23 વર્ષે થઈ તે દર 10 વર્ષે થવી જોઈએ અને તો જ સાચું મતદાન થાય. આ સાથે જ ચીફ ઇલેક્શન કમિશન હેઠળની BLO એપ્લિકેશન ધીમી ચાલતી હોવાની ફરિયાદો અમુક જગ્યાએથી સામે આવી છે. જિલ્લામાં હાલ મતદારોના ફોર્મ ભરી અપલોડ કરવાની કામગીરી 11% થઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે.