રાજકોટમાં 30 કિ.મી. પવનની ઝડપ સાથે વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો

રાજકોટ શહેરમાં સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ડીપ ડિપ્રેશનને કારણે 29 તારીખ સુધી રેડ અેલર્ટ અપાયું છે. 27મીએ અનરાધાર વરસાદ પડ્યા બાદ રાતથી વરસાદે વિરામ લીધો હતો. બુધવારે બપોર સુધી માત્ર છાંટા પડ્યા હતા. બપોરે 12 કલાકે વરસાદ શરૂ થયો હતો જે સાંજ સુધી અલગ અલગ ગતિએ પડ્યો પણ સાથે સાથે ભારે પવનોએ લોકોની મુશ્કેલી વધારી દીધી હતી. જનજીવન થાળે પડે તે પહેલાં જ ભારે પવન અને વરસાદે ફરીથી લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કરી દીધા હતા.

રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 46 ઈંચ થયો છે. ગત વર્ષે 2023માં 26 ઈંચ અને તે પહેલાંના વર્ષે 38 ઈંચ હતો. 2021માં 51 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કુલ વરસાદ 52 ઈંચથી વધુ નોંધાશે તો તે 14 વર્ષનો નવો રેકોર્ડ બનશે.બુધવારે બપોરે વરસાદ અને ભારે પવન શરૂ થયા બાદ શહેરના અલગ અલગ અન્ડરબ્રિજમાં ફરીથી પાણી ભરાયાં હતાં જેથી તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો.

30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો જેથી અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મનપાના ચોપડે 160 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે જેમાં મોટાભાગના વૃક્ષો હટાવીને રસ્તો સાફ કરાયાનું મનપાએ કહ્યું છે. ભારે વરસાદને પગલે રૈયા સહિતનો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો અને લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *