રાજકોટમાં વેનીલા કેફેના સંચાલક સહિત 6 આરોપીની 2 દેશી પિસ્તોલ સાથે ધરપકડ

રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફાયરિંગ કરી નજીવી બાબતે યુવાનની ગોળી મારી થયેલી હત્યાની ઘટના બાદ પોલીસ તંત્ર જાગ્યું છે અને ગેરકાયદેસર હથિયારો ધારણ કરી ફરનારાની ધરપકડ કરી રહ્યું છે ત્યારે મિરઝાપુરથી સૌરાષ્ટ્ર કનેક્ટેડ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ થયો છે. ન્યારી ડેમ પર વેનીલા કેફેના સંચાલક સહિત 6 આરોપીની 2 દેશી પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ પીસીબીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મિરઝાપુરથી સૌરાષ્ટ્ર સુધી ચાલતા ગેરકાયદેસર હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરતાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પાંચ આરોપીઓ પાસેથી 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કારતૂસ અને રૂ.2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ રિમાન્ડ દરમિયાન ચોટીલાના પ્રદીપ કરપડાએ વડવાજડીના સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને બે હથિયારો વેચ્યાની કબૂલાત આપી હતી. આ માહિતીના આધારે પીસીબીએ ન્યારી ડેમ રોડ પર આવેલા વેનીલા કેફેના સંચાલક સંદીપસિંહ પરમારની ધરપકડ કરી તેની પાસેથી બે દેશી બનાવટના હથિયારો કબ્જે કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ સંદીપસિંહે રોફ જમાવવા માટે પ્રતિ હથિયાર આશરે રૂ.1 લાખના ભાવે બંને હથિયારો ખરીદ્યાની કબૂલાત આપી છે.તપાસમાં ખુલ્યું છે કે મધ્યપ્રદેશનો સકીલ સાદીક મન્સુરી ચોટીલાના દર્શન રોજાસરા મારફતે હથિયારોનું નેટવર્ક ચલાવતો હતો. મધ્યપ્રદેશમાં આશરે રૂ.10 હજારના ભાવે મળતા હથિયારો ગુજરાતમાં રૂ.50 હજારથી લઈને વધુ કિંમતે વેચાતા હતા. હાલ પીસીબીની ટીમ સૌરાષ્ટ્રમાં અન્ય કોને હથિયારો સપ્લાય કરાયા છે તેની તપાસમાં લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *