રાજકોટમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવકને સાળાએ દુકાનેથી ખેંચી જાહેરમાં માર્યો, પછી છરીથી તૂટી પડ્યો

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ગત 24 સપ્ટેમ્બરે યુવકની જાહેરમાં હત્યા થઈ હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવકને દુકાનેથી ખેંચીને સાળાએ પહેલા માર માર્યો હતો. જે બાદ કમરમાંથી છરી કાઢને આડેધડ 23 સેકન્ડમાં આશરે 13 ઘા ઝીંકી બનેવીનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં સ્થળેથી બાઈક લઈને આરામથી ફરાર થઈ ગયો હતો. જાહેરમાં બનેલી આ સહિતની ઘટનાઓથી શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે.

સાત વર્ષ પહેલાંના પ્રેમલગ્નની અદાવત રાખી
મૃતક 27 વર્ષીય વિમલ વાણીયા સહકાર રોડ પર રહેતા હતા. તેમણે સાત વર્ષ પહેલાં શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા અને તેમણે શીતલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ બાબતને લઈને સાળા કમલેશ ધાંધળે બનેવી પ્રત્યે અદાવત રાખી હોવાનું સામે આવ્યું છે.

ઢોર માર માર્યા બાદ અચાનક છરીથી હુમલો
ઘટનાના દિવસે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે RC બુક લેવાના બહાને બનેવી વિમલ વાણીયાને ભક્તિનગર સર્કલ પાસે બોલાવ્યો હતો. CCTV ફૂટેજમાં બંને વચ્ચે શરૂઆતમાં વાતચીત થતી જોવા મળે છે. ત્યારબાદ સાળાએ દુકાનેથી બનેવીને ખેંચીને બાઈક પાસે લઈ આવ્યો હતો. જે બાદ આરોપી કમલેશે આવેશમાં આવીને બનેવીને ઢોર માર માર્યો હતો. તેમજ અચાનક છરી કાઢીને બનેવી વિમલ પર હુમલો કર્યો હતો. માત્ર 23 સેકન્ડમાં આડેધડ 13 જેટલા ઘા ઝીંકાતાં વિમલ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.

આ દરમિયાન આસપાસના લોકો એકઠા થતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા વિમલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો, ક્રાઈમ બ્રાન્ચ તેમજ LCB ઝોન 1 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *