હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 18થી 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સલાહ આપતા જણાવ્યું છે કે, લોકો અનાવશ્યક બહાર ન નીકળે, જૂના મકાનો, ઝાડ કે વીજના થાંભલા નીચે ઊભા ન રહે, તેમજ હવામાનની સ્થિતિ અંગે તાત્કાલિક અપડેટ્સ પર નજર રાખે. માછીમારોને દરિયાઈ પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્યમાં મોન્સૂન સક્રિય રહેશે અને ઘણી જગ્યાએ અતિભારે વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.