રાજકોટ શહેરમાં હાલમાં જુદી-જુદી 42 જેટલી સોસાયટીમાં અશાંતધારો અમલી છે ત્યારે આગામી સમયમાં અશાંતધારો ઉઠાવી લેવામાં આવશે તેવી દહેશતને લઈ રાજકોટ શહેરની વિવિધ સોસાયટીના પ્રમુખો અને સભ્યો દ્વારા આંતરિક બેઠકો બાદ બુધવારે સાંજે 150થી 200 જેટલા આગેવાનો શહેરની 200 જેટલી સોસાયટીમાં આગામી 10 વર્ષ સુધી અશાંતધારો અમલી બનાવવાની માંગ સાથે રજૂઆત માટે દોડી આવ્યા હતા. સોસાયટીના મકાન ધારકોએ સુલેહ-શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી બહુમત સમાજની માગણી ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ જો અશાંતધારાની મુદત નહીં વધારવામાં આવે તો કાનૂની લડત તેમજ આંદોલન શરૂ કરવા પણ ચીમકી આપી હતી.
રાજકોટ શહેરમાં હાલમાં કોઠારિયા રોડ પર આવેલ વિવિધ સોસાયટીઓ તેમજ રૈયા રોડ વિસ્તાર, એરપોર્ટ રોડ સહિતની અંદાજે 42 જેટલી સોસાયટીઓમાં અશાંતધારો અમલી છે જેની 12 જાન્યુઆરી 2026ના મુદત પૂર્ણ થઇ રહી હોય સરકાર દ્વારા હજુ સુધી મુદત વધારવા નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી શહેરની 200 જેટલી સોસાયટીના પ્રમુખ અને સભ્યો દ્વારા લાંબા સમયથી બેઠકોના દોર બાદ બુધવારે 150થી 200 જેટલા આગેવાનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અશાંતધારાની મુદત વધારી 10 વર્ષ કરવા તેમજ સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અન્ય પોશ વિસ્તારમાં પણ હિન્દુ બહુમતી હોવા છતાં મુસ્લિમ સમાજને પ્રોપર્ટી વેચાણ થઇ રહી હોય તેમની સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરી હતી.