રાજકોટના મંગળા રોડ પર વહેલી સવારે ફાયરિંગ

રાજકોટ શહેરના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે 3.30 વાગ્યે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થયાની જાણ થતા હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. જો કે હાલ કોઈ પોલીસ ફરિયાદ મળી નથી. પરંતુ કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું કોના ઉપર કરવામાં આવ્યું સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફાયરિંગ ઘટના બાદ બનાવ સ્થળના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ફાયરિંગ બાદ સમીર ઉર્ફે મુર્ગા ગેંગના સાગરિતો કારતૂસ એકઠાં કરતા જોવા મળી રહ્યા છે.

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ફાયરિંગ ઘટનામાં જૂની અદાવતનો ખાર રાખી પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી સહિતનાઓએ આવી સમીર ઉર્ફે મુર્ગા ઉપર આવી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં પણ જંગલેશ્વર વિસ્તારમાં પરેશ ગઢવીએ સમીર ઉર્ફે મુર્ગાના સાગરીત શાહનવાઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેની ધરપકડ કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રગતિ હોસ્પિટલના ડો.અમિત હપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલની બહાર રસ્તા પર ફાયરિંગની ઘટના બની હતી. અમારી હોસ્પિટલમાં દર્દી દાખલ છે તેમના સગા ઉપર ફાયરિંગ થયું હોવાની અમને માહિતી મળી છે. આ ઘટનામાં મારે અથવા મારા કોઈ સ્ટાફને કોઈ લેવા દેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *