પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળમાં રાજકોટ સૌરાષ્ટ્રમાં નીતિન ભારદ્વાજની સત્તા ભાજપમાં પહેલાં કરતાં અનેકગણી વધી હતી. રૂપાણીના રાજીનામા બાદ સત્તા પર કાપ આપ્યો હતો જોકે હવે નીતિન ભારદ્વાજ પર સમાજ અને ભાજપને ખોખલો કરવાના ગંભીર આક્ષેપ સાથે બ્રહ્મસમાજના યુવા નેતાઓએ વડાપ્રધાનને ફરિયાદ કરતો પત્ર લખતા રાજકારણમાં સોપો પડ્યો છે.
બ્રહ્મસમાજના આગેવાન શનિભાઈ જાની, મહેશ પાઠક, સમીર પંડ્યા, પંકજ ભટ્ટ, મહેશ પાઠક સહિતના 10 આગેવાને પોતાની સહી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેના મથાળામાં જ રાજકોટ ભાજપને બ્લેકમેઈલ અને જ્ઞાતિ-જાતિના આધારે દબાવતા સમાજના કહેવાતા આગેવાનો વિરુદ્ધની ફરિયાદ. એવું લખીને રોષ ઠાલવ્યો છે. પત્રમાં નીતિન ભારદ્વાજ પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યા છે
સાથે જ જૈમન ઉપાધ્યાય, કમલેશ જોશીપુરા, જનાર્દન પંડ્યા, ઉમેશ રાજ્યગુરુ, દીપક પંડ્યા, બિનાબેન આચાર્ય સહિતના પણ ભાજપ અને બ્રહ્મસમાજની વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા હોવાનું કહ્યું છે. પત્રમાં લખ્યું છે કે, આ બધાએ ભાજપના ગણેશોત્સવમાં હાજરી ન આપી અને બીજાને પણ હાજરી ન આપવા ફોન કર્યા હતા જ્યારે શંકરસિંહ સાથે ઘરોબો ધરાવતા અને માનસપુત્ર ગણાતી વ્યક્તિના આયોજનમાં હાજરી જોવા મળી છે તે ઘણું બધું કહી જાય છે.
ટિકિટની ફાળવણી અંગે કહ્યું હતું કે, બ્રહ્મસમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને ખોબલે ખોબલે મત આપ્યા છે. ટિકિટ આપવાની વાત આવે એટલે ભારદ્વાજ પરિવારના પુરુષોને ટિકિટ અપાય અને અન્ય વિસ્તારોમાં બ્રહ્મસમાજના મહિલાઓને ટિકિટ આપી દેવાતી હતી. આમ કરીને બ્રહ્મ નેતૃત્વ ઊભું ન થાય તેવા દાવ ખેલાયા હતા. 30 વર્ષથી ભારદ્વાજ પરિવારે રાજકોટ ભાજપ પર સત્તા જમાવી અને રૂપાણી મુખ્યમંત્રી થયા ત્યારે નીતિન ભારદ્વાજના પડ્યા બોલ ઝીલાતા હતા અને કરોડોની કમાણીઓ કરી છે.