પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે રાજકોટથી આજે જ્યારે વેરાવળથી 22મીએ છેલ્લી ટ્રેન ઉપડવાની છે. મહાકુંભ મેળામાં દેશ-વિદેશથી દરરોજ કરોડો ભાવિકોનો મહાસાગર ઊમટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ રેલવેએ એક્સ્ટ્રા ટ્રેનની જાહેરાત કરી અને બુકિંગ શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ મોટાભાગની ટ્રેન હાઉસફુલ થઇ ગઈ છે. રાજકોટથી મહાકુંભમાં જતી 2 ટ્રેનમાં તો એક મહિના સુધી બુકિંગ બંધ કરી દેવાયું હતું.
રાજકોટથી બનારસ સહિતના મહાકુંભના નજીકના સ્થળોએ જવા માટે મોટાભાગની ટ્રેનમાં 122 સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટથી જતી ટ્રેનમાં તો હાઉસફુલની સ્થિતિ છે, પરંતુ એસ.ટી.ની વોલ્વોમાં પણ બુકિંગ ફુલ થઇ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મહાકુંભ મેળાની 2 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવી રહ્યું છે. આ ટ્રેન રાજકોટ-બનારસ અને વેરાવળ-બનારસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર દોડશે.
ટ્રેન નંબર 09537 રાજકોટ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 19 ફેબ્રુઆરીએ રાજકોટથી સવારે 06.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.45 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09538 બનારસ-રાજકોટ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 20મીએ 19.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશન ખાતે ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.