રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનો ઉડાન ભરે છે. જેમાં ઇન્ડિગો દ્વારા દૈનિક 6 સહિત 9 ફ્લાઈટનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે એર ઈન્ડિયાની 3 દૈનિક ફ્લાઈટ ઉડાન ભરે છે. જ્યારે વિસ્તારાનુ નાનું એર ક્રાફટ દરરોજ માત્ર સુરત જવા માટે ઉડાન ભરે છે.
27મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વિન્ટર શિડ્યુલમાં મુંબઇની 5, દિલ્હીની 2, ગોવા, પુણે, બેંગ્લોર અને હૈદરાબાદની 1-1 ફ્લાઈટ તો સુરત માટે 1 ચાર્ટર ફ્લાઈટ ઉડાન ભરવાની છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ તો સ્ટાર એર દ્વારા અમદાવાદ-રાજકોટ-વડોદરાની ફ્લાઈટ શરૂ કરવા માટે તૈયારી બતાવી છે. જોકે, હજુ સુધી તેનું ઓફિશિયલ શેડયુલ આવ્યું નથી. ઈન્ડિગો દ્વારા એરક્રાફ્ટના અભાવે અમદાવાદની ફ્લાઈટ બંધ કરવામાં આવી છે, ત્યારે સ્ટાર એર દ્વારા અમદાવાદની દૈનિક ફ્લાઈટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી દિલ્હી જવા માટે વહેલી સવારની ફ્લાઈટ શરૂ કરવા માટેની તૈયારી બતાવવામાં આવી છે. આ ફ્લાઈટ સવારે 6:30 વાગ્યે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યારબાદ આ ફ્લાઈટ 7:15 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ ઉપરાંત અમદાવાદ-રાજકોટ-વડોદરાની ફ્લાઈટ શરૂ કરવા માટે સ્ટાર એર એરલાઇન્સ દ્વારા પ્રપોઝલ મૂકવામાં આવેલું છે. જેમાં આ ફ્લાઈટ દરરોજ 16.30 વાગ્યે અમદાવાદથી રાજકોટ આવશે અને 17.00 વાગ્યે આ ફ્લાઈટ રાજકોટથી વડોદરા જવા માટે ઉડાન ભરશે. જે બાદ આ ફ્લાઈટ વડોદરાથી રાજકોટ 19.10 વાગ્યે પહોંચશે અને બાદમાં આ ફ્લાઈટ 19.40 વાગ્યે રાજકોટથી અમદાવાદ જવા માટે ઉડાન ભરશે.