એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એમની ઓઇલ-ટુ-ટેલિકોમ અને રિટેલ સેક્ટરની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માંથી સતત છઠ્ઠા વર્ષે પણ કોઈ સેલરી (વેતન) લીધી નથી.
કંપની દ્વારા જારી કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં મુકેશ અંબાણીનો પગાર, ભથ્થાં, અને નિવૃત્તિ લાભો સંપૂર્ણપણે શૂન્ય રહ્યા છે. આ સમયે તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત કંપની તરફથી મળતું ડિવિડન્ડ જ છે. મુકેશ અંબાણી વિશ્વના 22મા સૌથી ધનિક વ્યક્તિ છે
કોરોના મહામારી દરમિયાન લીધો હતો નિર્ણય, 2008થી સેલરી લિમિટ નક્કી કરી હતી
69 વર્ષના મુકેશ અંબાણીએ જૂન 2020માં કોરોના મહામારી દરમિયાન દેશના સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક સ્વાસ્થ્ય પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને પોતાનો સંપૂર્ણ પગાર છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી રિલાયન્સના તમામ વ્યવસાયો તેમની સંપૂર્ણ કમાણીની ક્ષમતા પર પાછા નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ પગાર લેશે નહીં.
ત્યારબાદથી તેમણે નાણાકીય વર્ષ 2021-22, 2022-23, 2023-24, 2024-25 અને હવે 2025-26માં પણ પગાર વિના કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
પગાર શૂન્ય, પરંતુ પ્રમોટર ગ્રુપ અને પર્સનલ શેરોના ડિવિડન્ડથી મળ્યા ₹3,996 કરોડ
ભલે મુકેશ અંબાણી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોઈ પગાર, ભથ્થાં કે સ્ટોક ઓપ્શન્સ નથી લઈ રહ્યા, પરંતુ દુનિયાના 22મા સૌથી ધનિક વ્યક્તિની કમાણીનો મુખ્ય સ્ત્રોત ડિવિડન્ડ છે. મુકેશ અંબાણીની વ્યક્તિગત નેટવર્થ આ સમયે લગભગ 92 બિલિયન ડોલર (લગભગ ₹8.83 લાખ કરોડ) છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ ₹6 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. મુકેશ અંબાણી પાસે વ્યક્તિગત રીતે રિલાયન્સના 1.61 કરોડ શેર છે, જેનાથી તેમને વ્યક્તિગત રીતે ₹9.66 કરોડની ડિવિડન્ડ આવક થશે.
આ ઉપરાંત, તેમના નિયંત્રણ હેઠળની પ્રમોટર ગ્રુપ કંપનીઓ પાસે રિલાયન્સના 664.5 કરોડ શેર (50.07% હિસ્સેદારી) છે, જેનાથી પ્રમોટર ગ્રુપને ₹3,987 કરોડની ડિવિડન્ડ કમાણી થઈ છે. કુલ મળીને આ રકમ ₹3,996.66 કરોડ થાય છે.