શહેરમાં પોલીસનું કાઇ અસ્તિત્વ જ ન હોય ગુનેગારો બેકાબૂ બન્યા છે. નવા થોરાળા પાસેના આંબેડકરનગરમાં જૂના ઝઘડાના પ્રશ્ને માતા-પુત્રી પર છરી વડે હુમલો કરી કોંગ્રેસ આગેવાનના પુત્ર સહિતની ટોળકીએ ધમાલ મચાવતા થોરાળા પોલીસે રાયોટ સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આંબેડકરનગરમાં રહેતા એક મહિલાએ થોરાળા પોલીસમાં ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે રવિ ભીખાભાઇ ચાવડા, યોગેશ વશરામભાઇ સાગઠિયા, મહેશ રસિકભાઇ ચાવડા, મહેશ ઉર્ફે લાલો મુળજીભાઇ પરમાર, ચિરાગ રસિકભાઇ ચાવડાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ કાળા કલરની કાર લઇને આવી તેની પુત્રીને ગાળો આપી બાદમાં ઝપાઝપી કરી ગાળો આપી મારકૂટ કરી હતી અને કપડાં પણ ફાડી નાખ્યા હતા બાદમાં વચ્ચે પડતા છરી કાઢી હુમલો કરી ધમાલ મચાવી નાસી જતા બન્ને ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.