રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી કાયમી સિટી એન્જિનિયરોની જગ્યા ખાલી છે અને ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું. હવે કાયમી સિટી એન્જિનિયરની ભરતી કરવા કવાયત શરૂ કરવામાં આવી છે અને વર્ગ-1ના છ સિટી એન્જિનિયરની ભરતી માટે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.
આ જગ્યા માટે તા.16-7 થી 30-7 સુધીમાં અરજીઓ મગાવવામાં આવી છે. મનપાએ ઝોનવાઇઝ ટીપી અધિકારીઓની ભરતી બાદ હવે સિટી એન્જિનિયરોની ભરતી પ્રક્રિયા શરૂ કરતા આગામી દિવસોમાં વહીવટી સુધારો જોવા મળશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. મનપાના સેન્ટ્રલ ઝોનમાં અતુલ રાવલ, વેસ્ટ ઝોનમાં કુંતેશ મહેતા અને ઇસ્ટ ઝોનમાં મનોજ શ્રીવાસ્તવને સિટી એન્જિનિયરના ચાર્જ સોંપાયા છે. જ્યારે વોટર વર્કસ વિભાગમાં કિશોર દેથરિયા અને રોશની વિભાગમાં જીવાણી હવાલો સંભાળે છે. જ્યારે સિટી એન્જિનિયર તરીકે એકમાત્ર પી.ડી.અઢિયા છે. જેમના પર સ્માર્ટ સિટી, સિટી બસ સેવા સહિતની અનેક જવાબદારીઓ થોપી દેવામાં આવી છે.
જ્યારે હવે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ ખાલી જગ્યાઓ ભરવા બીડું ઉઠાવ્યું છે અને એડિશનલ સિટી એન્જિનિયરની 2 જગ્યા, સિટી એન્જિનિયર સ્પેશિયલની બિન અનામતની 1 અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 1 જગ્યા, એડિશનલ સિટી એન્જિનિયર મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલની 1 જગ્યા તથા 1 કાર્યપાલક ઇજનેરની જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવી છે.