રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા દાયકા કે તેથી પણ વધુ સમય પહેલા બનાવવામાં આવેલી જુદી જુદી આવાસ યોજનાઓના 2658 જેટલા ફલેટ વર્ષોથી ખાલી પડયા હોય, ચોમાસામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવવાથી માંડી ભેજ ઉતરવા સહિતની ફરિયાદો ફરી આવવા લાગી છે. કોર્પોરેશને બનાવેલા રોડ, રસ્તા, વર્કશોપ સહિતના બિલ્ડીંગની હાલત જર્જરીત છે, ત્યારે અર્ધો ડઝન વિસ્તારની આવાસ યોજનામાં ફલેટ નાછૂટકે બંધ પડયા હોય, મુળ હેતુ મુજબ કોઇ પરિવારોને આ આવાસો કામ આવી રહ્યા નથી.
કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ છેલ્લા દોઢ દાયકામાં જુદી જુદી આવાસ યોજનાઓના નિર્માણ કરવામાં આવ્યા છે. જે તે વખતે નદી કાંઠે રહેતા પરિવારો સહિતના વિસ્થાપીતો અને સ્લમમાં રહેતા લોકો માટે આવાસો બનાવીને તેઓનું સ્થળાંતર કરવાનો હેતુ નકકી કરાયો હતો, પરંતુ આવાસ યોજના બન્યા બાદ નદી કાંઠા સહિતના વિસ્તારો ખાલી થઇ શકયા નથી. અનેક જગ્યાએ લોકો ઝુંપડા છોડતા નથી તો ઘણી જગ્યાએ કબ્જો સંભાળતા નથી. આ સ્થિતિમાં આ આવાસો જરૂરતમંદોને આપવા સહિતની મંજૂરી પ્રક્રિયાઓ ચાલી રહી છે. તે દરમિયાન આવા ફલેટ રીપેર કરવાની નોબત પણ આવી ગઇ છે.