ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની ફ્રાંસની મુલાકાતે છે. દરમિયાન સોમવારે પેરિસમાં તિબેટીયનોએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તિબેટની આઝાદીની માગણી કરતા વિરોધીઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાફલાને ‘ફ્રી તિબેટ’ના ધ્વજ બતાવ્યા. આ ઉપરાંત ઉઇગુર મુસ્લિમ સમુદાયે પણ જિનપિંગ પર માનવાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને તેમની ફ્રાંસ મુલાકાતનો વિરોધ કર્યો હતો.
હકીકતમાં, 23 મે 1951ના રોજ ચીને તિબેટ પર બળજબરીથી કબજો જમાવ્યો હતો. ત્યારથી તિબેટના લોકો સતત અલગ અલગ પ્લેટફોર્મ પરથી તેનો વિરોધ કરી રહ્યા છે. જિનપિંગ 2019 પછી પ્રથમ વખત યુરોપની મુલાકાતે છે. આ મુલાકાતના વિરોધમાં સ્ટુડન્ટ્સ ફોર અ ફ્રી તિબેટ (SFT) નામની સંસ્થાએ ચીન વિરુદ્ધ બેનર અને ઝંડા ફરકાવ્યા હતા. આ પછી પોલીસે બે કાર્યકરોની અટકાયત કરી હતી.
હ્યુમન રાઇટ્સ વોચ (HRW) એ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને જિનપિંગ સાથે ઉઇગુર, તિબેટીયન અને હોંગકોંગના લોકોની સ્વતંત્રતા અને અધિકારોનો મુદ્દો ઉઠાવવાની માગ કરી છે. તેમજ તે લોકોને જેલમાંથી મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે, જેઓ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે વર્ષોથી ચીનની જેલમાં બંધ છે