પોપટપરા નાળામાં પાણી ભરાતા કમિશનર દોડી ગયા, નિકાલ માટે રેલ લાઇન હેઠળ પાઈપ નખાશે

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેનું સતત મોનિટરિંગ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાલુ વિવિધ પ્રોજેક્ટની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી સ્થળ પર જઈને રિયાલિટી રિપોર્ટ મેળવ્યો હતો. શહેરમાં દોઢ ઇંચ વરસાદમાં પોપટપરા નાળામાં પાણી ભરાતા મ્યુનિસિપલ કમિશનર ત્યાં દોડી ગયા હતાં અને દર ચોમાસે સર્જાતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રેલ લાઇન હેઠળ પાઈપલાઈન નાખવા આયોજન કરી તે માટે રેલવેની મંજૂરી લેવા ઇજનેરોને સૂચના આપી હતી.

ઉપરાંત ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સતત ફિલ્ડમાં રહીને શહેરની સ્વચ્છતા, નિયમિત સફાઈ કામગીરી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ન્યૂસન્સ પોઈન્ટની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી અને ટીપરવાનની અનિયમિતતા બદલ એજન્સીને રૂ.4 હજારની પેનલ્ટી ફટકારી હતી.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની ફેરણી દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં માધાપર રોડ, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલનગરમાં નવું બની રહેલ આરોગ્ય કેન્દ્ર, પોપટપરાનું નાળું અને જ્યુબિલી ખાતેના અરવિંદભાઈ મણિયાર હોલની મુલાકાત લીધી હતી.

જ્યારે ઈસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ વોર્ડ નંબર-18માં કોઠારિયા રોડ પર આવેલ વિસ્તાર સોરઠિયાવાડી સર્કલ તથા રોલેક્સ રોડ પર આવેલ રહેણાક વિસ્તાર વિરાણી રેસિડેન્સી, માઈલસ્ટોન એપાર્ટમેન્ટ અને સુરભી એપાર્ટમેન્ટ ખાતે ડોર ટુ ડોર ટીપરવાન બાબતે વિઝિટ કરી હતી. ત્યાં રહેણાકવાસીઓના ફીડબેક લીધા છે તથા કામગીરી ચકાસી હતી અને કોલ સેન્ટર અંતર્ગત આવતી ફરિયાદોનો રિવ્યૂ કર્યો હતો. તેમજ સફાઈ કામદારોની હાજરીની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન ટીપરવાનની અનિયમિતતા બાબતે એજન્સીના સુપરવાઈઝરની નબળી કામગીરી જણાતા રૂ.4 હજારની પેનલ્ટી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *