નાનામવા રોડ પરના શાસ્ત્રીનગરમાં રહેતા પ્રૌઢ પર જામનગર રહેતા તેના વેવાઇ સહિતના શખ્સોએ હિચકારો હુમલો કર્યો હતો. પ્રૌઢે તેની પુત્રવધૂ અને તેના માતા-પિતાને બદનામ કરતો નનામો પત્ર લખ્યાની શંકા કરી જામનગરથી આવી ધમાલ કરી હતી. શાસ્ત્રીનગરમાં રહેતા રસિકલાલ વિરજીભાઇ ખાણધરે (ઉ.વ.50) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રહેતા વેવાઇ ભરત છગન પરમાર, જયદીપ ભરત પરમાર, પુત્રવધૂ નિરાલી ખાણધર અને જીતુ છગન પરમારના નામ આપ્યા હતા. રસિકલાલ ખાણધરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર હાર્દિકના લગ્ન 2023માં ભરત પરમારની પુત્રી નિરાલી સાથે થયા હતા. લગ્નના બીજા જ દિવસે નિરાલી પતિ હાર્દિકને ગાળો ભાંડીને પિયર જતી રહી હતી અને છ માસ સુધીમાં અનેક વખત સાસરે અને પિયર આવનજાવન કર્યું હતું. હાલમાં પુત્ર હાર્દિક અને પુત્રવધૂ નિરાલી જામનગર રહે છે.
ગત તા.29 ડિસેમ્બરના ભરત પરમાર સહિતના 22 લોકો રસિકલાલના ઘરે ધસી આવ્યા હતા અને ભરત પરમારે એક પત્ર બતાવ્યો હતો. જેમાં રસિકલાલ અને તેનો પરિવાર સુખી અને સંસ્કારી છે, પરંતુ નિરાલી ત્યાં સારી રીતે રહી નહીં, તેના કોર્પોરેટર માતા તરુણાબેન પુત્રીને ચડામણી કરે છે, પિતા ભરત પરમાર પણ પોતાના સંબંધો બધે હોવાનો દાવો કરી પુત્રીને સારી રીતે સાસરે રહેવાને બદલે સાસરિયાંઓ સાથે માથાકૂટ કરવાનું કહે છે તેવું લખાણ લખાયું હતું. આ મામલે ભરત પરમાર ઉશ્કેરાયા હતા અને રસિકલાલને ઢીકાપાટુનો માર માર્યો હતો. રસિકલાલને બચાવવા વચ્ચે પડેલા તેના પત્ની ઉષાબેન અને પુત્ર દર્શનને પણ વેવાઇ પક્ષે મારકૂટ કરી હતી અને ભરત પરમારે ધમકી પણ આપી હતી કે, આ મામલે ફરિયાદ કરીશ તો ભાણવડ જતાં રસ્તામાં તારી ગાડીને ખટારાની ઠોકર મારીને ઉપર પહોંચાડી દઇશ. રસિકલાલે આ માથાકૂટ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે બંને પક્ષને બોલાવ્યા હતા અને સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થતાં રસિકલાલે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. જોકે તેના બીજા જ દિવસે પુત્રવધૂ નિરાલીએ જામનગરમાં રસિકલાલ અને તેના પત્ની સામે ફરિયાદ નોંધાવતાં જામનગર પોલીસે રસિકલાલ અને તેના પત્ની સામે અટકાયતી પગલાં લઇ 24 કલાક બંનેને લોકઅપમાં રાખ્યા હતા. અંતે વેવાઇ ભરત પરમાર સહિતનાઅોએ કરેલી માથાકૂટ અંગે રસિકલાલ ખાણધરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.