પરિવારે દારૂ છોડવાનું કહેતા મનપાના કર્મચારીનો આપઘાત

શહેરના મોરબી રોડ બજરંગપાર્કમાં રહેતા 52 વર્ષીય મનપા કર્મચારીએ ઘરે સવારે નોકરીએ જવા સમયે પત્નીને તબિયત સારી ન હોવાનું કહી રજા રાખ્યા બાદ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યું છે. અગાઉ પરિવારે નશો ન કરવા, વ્યસન છોડવાનું કહ્યું હતું. જે બાબતનું માઠું લાગી આવતા આ પગલું ભર્યું છે.

મોરબી રોડ પર બજરંગપાર્ક શેરી નં.2માં રહેતા અરવિંદભાઈ મોહનભાઇ રાઠોડ(ઉ.વ.52) નામના પ્રૌઢે સવારે પોતાના ઘરે રૂમમાં હતા ત્યારે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નીપજતાં પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે. બપોરે પત્ની રૂમમાં જમવા માટે બોલાવવા જતા પતિને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ રહ્યા હતા. પરિવારજનોને જાણ કરતાં 108 બોલાવી હતી. 108ના તબીબે જોઈ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે જાણ થતાં બી-ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બી-ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ કુલદીપસિંહ સહિતના સ્ટાફે હોસ્પિટલે જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અરવિંદભાઈ કન્ઝર્વન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારી તરીકે નોકરી કરતા હતા. તેઓ ચાર ભાઈ એક બહેનમાં બીજા ક્રમે હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરી એક દીકરો છે. અરવિંદભાઈએ દારૂ પીવાની કુટેવ હોય, જેથી તેમના પરિવારજનોએ નશો ન કરવાનું કહ્યું હતું. જે વાતનું લાગી આવતા અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *