સાધુ વાસવાણી રોડ પરના કૈલાસપાર્કમાં માતાની સાથે રહેતી પાયલ ભૂતે (ઉ.વ.27) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જે.કે.ચોક નજીક રહેતા પતિ ઉમંગ ગોવિંદ ભૂત અને તેની પ્રેમિકા સુમન ટહેલાણીનું નામ આપ્યું હતું.
પાયલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે એક મહિનાથી તેની માતા શારદાબેન મકવાણાના ઘરે પોતાના દોઢ વર્ષના પુત્ર વિશ્વાસ સાથે રહે છે.
પતિ ઉમંગ મારકૂટ કરતો હોવાથી એક મહિના પહેલાં પતિ સામે ફરિયાદ કરી હતી અને તે સમયે પાયલ પોતાના પુત્ર સાથે પાંચ દિવસ સખી વનસ્ટોપ ખાતે રહી હતી, ત્યારબાદ પતિ ઉમંગ અને તેની પ્રેમિકા સુમન ટહેલાણી અવારનવાર ફોન કરી પાયલને ગાળો ભાંડતા હતા, અને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા.
ગત તા.26ના પાયલ અને તેના માતા બહાર ગયા હતા ત્યારે તેનો પતિ ઉમંગ ત્યાં ઘરે ગયો હતો, અને પાયલને ફોન કરી ગાળો ભાંડીને કહ્યું હતું કે, તું મને મારો દીકરો આપી દે અને મને છૂટાછેડા આપી દે નહીંતર જાનથી મારી નાખીશ, ત્યારબાદ ઉમંગે તેના સાસુ શારદાબેનના ઘરની બારીનો કાચ ફોડી નાખ્યો હતો.
ત્યારબાદ ગુરુજીનગરમાં પહોંચ્યો હતો ત્યાં પાયલના મોટાબાપુ ભરતભાઇ જોગિયાણી તથા મોટાબા પ્રભાબેન જોગિયાણીને ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે પાયલની ફરિયાદ પરથી તેના પતિ ઉમંગ ભૂત અને તેની પ્રેમિકા સુમન ટહેલાણી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.