પત્ની, સાસુ-સસરા અને સાળા સામે ફરિયાદ દાખલ

રાજકોટ ​શહેરના કોઠારીયા રોડ પર આવેલ રણુજા મંદિર નજીક કૌટુંબિક અદાવતમાં જમાઈ પર સાસરિયા પક્ષ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ‘તું મારી સગાઈ કેમ થવા દેતો નથી?’ કહીં જમાઈ અશોક ઉપર સાળા સહિતના સાસરિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

43 વર્ષીય યુવક પર પત્ની સહિત સાસરિયાનો હુમલો
મળતી માહિતી મુજબ, વેલનાથપરા વિસ્તારમાં રહીને કલર કામ તથા મજૂરી કામ કરતા 43 વર્ષીય અશોકભાઈ શીવાભાઈ ઝરમરિયા નામના યુવક પર તેમની જ પત્ની, સાસુ, સાળા અને સસરાએ એકસંપ થઈને હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ડાબા હાથે કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પત્ની કૌટુંબિક અણબનાવમાં દોઢ મહિનાથી પિયરમાં રીસામણે
અશોકભાઈની પત્ની નીરૂબેન છેલ્લા દોઢ મહિનાથી કૌટુંબિક અણબનાવના કારણે પોતાના પિયર રીસામણે રહેતી હતી. સોમવારની રાત્રે આશરે 9:30 વાગ્યા આસપાસ અશોકભાઈ કોઠારીયા રોડ રણુજા મંદિર સામે આવેલ બાઘેશ્વરી બાલાજી હનુમાન મંદિર પાસે ઉભા હતા ત્યારે તેમની પત્ની નીરૂબેન, સાસુ નાનુબેન અને સાળો દેવો ત્યાં આવી પહોંચ્યા હતા. દરમિયાન સાળા દેવાએ આવીને સીધો જ અશોકભાઈનો કાઠલો પકડી લીધો હતો અને ‘તું મારી સગાઈ કેમ થવા દેતો નથી અને મારી બહેન સાથે કેમ ઝઘડો કરે છે?’ તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.

સસરાનો લાકડાના ધોકા વડે યુવક પર હુમલો
ત્યારબાદ સાસુ અને પત્નીએ પણ અશોકભાઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. ​ઝઘડા દરમિયાન સાળાએ પોતાના પિતા ધીરુભાઈને ફોન કરીને બોલાવતા તેઓ પોતાની CNG રિક્ષા લઈને સ્થળ પર પહોંચ્યા હતા. રિક્ષામાંથી બે લાકડાના ધોકા કાઢીને એક ધોકો પત્ની નીરૂબેનને આપ્યો હતો ત્યારબાદ પત્ની અને સસરાએ લાકડાના ધોકા વડે અશોકભાઈ પર હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *