પત્ની સાથે ઝઘડો થતા પતિએ આપઘાત કર્યો

મેટોડામાં પત્ની સાથે ઝઘડો થયા બાદ 32 વર્ષીય પતિએ ગળાફાંસો ખાય જિંદગી ટૂંકાવી લીધી હતી. મોડી રાત્રે ઝઘડો થયા બાદ વહેલી સવારે સુનિલ રાજભર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો જેથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. સુનિલ નંદલાલ રાજભર (ઉં.વ.32) આજે સવારે 4 વાગ્યે પોતાની ઓરડીમાં સાડી પંખામાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે મેટોડા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોની અને આસપાસના લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગઈકાલે રાત્રે સુનિલ અને તેની પત્ની મીરા વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં બધા સૂઈ ગયા હતા. સવારે બાજુની ઓરડીમાં રહેતો રામલોચન વહેલો ઊઠી ગયો હતો તેણે જોયું તો સુનિલ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. સુનિલ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને મેટોડામાં મજૂરી કામ કરતો હતો તેને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય બનાવ

કુવાડવા રોડ પર શિવપરામાં આવેલ કારખાનામાંથી 10 લાખની ચાંદીની ચોરી કરી નાસી છૂટેલા કારીગરને બી. ડિવિઝન પોલીસે ઝડપી પાડી રૂ.4.85 લાખના ચાંદીના ઢાળીયા કબ્જે કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. બી ડિવિઝન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા સુનિલ સુરેશ સુમલખાણીયા (ઉ.વ.21)ને દબોચી લઈ ચાંદીના બે ઢાળીયા કુલ વજન 5.431 કિ.ગ્રામ રૂ.4.85 લાખનો મુદામલ કબ્જે કર્યો હતો. આરોપીન પુછપરછમાં ચોરીના બનાવમાં અન્ય સાગર મંગા ખુદડીયા, હિરેન બાવાજી અને વિજય સુખા નામના શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ શખ્સ કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો અને દિવાળી નજીક આવતાં મોજશોખના રૂપીયા માટે દાનત બગડતા અન્ય આરોપી સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *