નવાગામ આણંદપર રંગીલા સોસાયટીમાં રહેતા અને અનેક વખત અલગ-અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સને તેની જ પત્ની, બે ભાઇઓ અને ભત્રીજાએ ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાઇપથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
આ મામલે શખ્સે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવમાં નવાગામ રંગીલા સોસાયટી પંચવટી શેરી નં.2માં રહેતાં અજય ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાઘજીભાઇ રોજાસરા (ઉ.વ.32) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની પત્ની દક્ષાબેન, ભત્રીજા પંકજ મનસુખભાઈ રોજાસરા, મોટા ભાઈ મનસુખ વાઘજીભાઇ રોજાસરા અને નાના ભાઇ છગન વાઘજીભાઇ રોજાસરાનું નામ આપ્યું હતું.
અજય ઉર્ફે ટકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પત્ની સાથે અલગ રહે છે અને ઘરથી નજીકમાં જ પરિવારના અન્ય સભ્યો રહે છે. શનિવારે રાતે તે તેની પત્ની તથા દીકરો ઘરે હતાં ત્યારે તેની પત્નીએ તેની અમુક કુટેવોને કારણે તેની સાથે બોલાચાલી કરી હતી. બીજે દિવસે બપોરે તે આણંદપર નવાગામ પુલ પાસે હતો ત્યારે તેની માતાએ ફોન કરી તેને ઘરે આવવા કહ્યું હતું.
આગલી રાતે થયેલી માથાકૂટ બાબતે તેના માતા અમને બંનેને સમજાવતાં હતાં. આ વખતે તેની પત્નીએ ઉશ્કેરાઇ જઇ તેને ફડાકા મારવાનું ચાલુ કરતાં તેણે તેના ભાઈ અને ભત્રીજા ફોન કરી બોલાવ્યો હતો. ત્યાં બંનેને બોલાચાલી કરતા જોઈ ભત્રીજો પંકજ અચાનક લોખંડનો પાઇપ લઇને આવ્યો હતો અને તેને ગાળો દેવા માંડ્યો હતો. તેણે ગાળો બોલવાની ના પાડતાં મારમાર્યો. દરમિયાન તેના ભાઇ મનસુખભાઇ અને છગનભાઈએ પણ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
વધુ માર ખાવાથી બચવા માટે તે પોલીસ સ્ટેશન જવા નીકળ્યો અને ત્યાં નજીક પહોંચીને પડી ગયો હતો. ત્યાંથી તેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે નવાગામના આ નામચીન અજય ઉર્ફે ટકાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી.