રાજકોટ નજીક કુવાડવા ગામે રહેતા વાલાભાઈ રામભાઈ કટેસણીયા (ઉ.વ.65) ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ ચાલીને જતા હતા ત્યારે માલિયાસણ બ્રિજ ભારત પેટ્રોલ પંપ પાસે કોઈ કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેઓને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું. વાલાભાઈ મૂળ મોલડી ગામના વતની હતા અને વર્ષોથી કુવાડવા ગામે વાડી વાવવા રાખી ખેત મજૂરી કરતા હતા. વાડીએથી ચાલીને ઘરે જતાં હતા ત્યારે બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં 5 દીકરી 2 દીકરા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીની નજર સામે પતિનું મોત
રાજકોટ નજીક હરિપર ગામના પાટીયા પાસે આવેલી બિલટેક કંપનીમાં રહેતા અને ત્યાં જ મજૂરીકામ કરતા રાજુભાઈ કશ્યપ (ઉં.વ.36) અને તેની પત્ની પૂજાબેન રાજુભાઈ કશ્યપ (ઉં.વ.30) ગઈકાલે કારખાનામાં રજા હોવાથી દંપતી બજારમાં ખરીદી કરવા ગયા હતા અને બાઈક પર પરત કારખાને જતા હતા ત્યારે રાત્રે 8.30 વાગ્યા આસપાસ મેટોડા ગેટ નંબર 3 પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેમાં રાજુભાઈના માથા અને ચહેરા પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. જ્યારે પૂજાબેન રોડની સાઈડમાં ફંગોળાઈ જતા ઇજા પહોંચી હતી. બંનેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પતિ રાજુને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક રાજુભાઈને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા. હાલ મેટોડા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.