રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ડિગ્રી વગરના નકલી ડોક્ટરો ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાની ફરિયાદો ઉઠતા પોલીસ એક્શનમાં આવી હોય તેમ એસઓજીની ટીમે માહિતીને આધારે રાજકોટના ફાડદંગ ગામે દરોડો પાડી ધો.8 પાસ નકલી ડોક્ટરને ઝડપી લઇ તેની પાસેથી દવા અને સાધનો મળી કુલ રૂ.10 હજારની મતા કબજે કરી પૂછતાછ કરતાં તે ફાડદંગ સહિતના આસપાસના ગામના લોકોને સારવાર આપતો હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
કુવાડવા ગામ નજીક ફાડદંડ ગામે વલ્લભભાઇ રામાણીના ભાડાના મકાનમાં એક શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાની માહિતીને આધારે એસઓજીના પીએસઆઇ ડી.પી. ગોહેલ સહિતના સ્ટાફે દરાેડો પાડી ક્લિનિક ચલાવતા શખ્સની પૂછતાછ કરતા તે ફાડદંગ ગામે રહેતો હર્ષદ ઉર્ફે કાનો પ્રાગજીભાઇ ચોટલિયા (ઉ.34) હોવાનું જણાવતા પોલીસે તેની ડિગ્રી બાબતે પૂછતાછ કરતાં તેને પ્રથમ 10 પાસ હોવાનું જણાવ્યા બાદ પોલીસે તપાસ કરતાં તે ધો.8 પાસ હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી દવાઓ, ઇન્જેક્શન સહિતના સાધનો મળી કુલ રૂ.10 હજારની મતા કબજે કરી વધુ પૂછતાછ કરી હતી.