રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 3 મહિના પહેલા ધાણાજીરૂ પાઉડરના નમૂના લીધા હતા તે લેબ ટેસ્ટમાં અનસેફ જાહેર થયા છે. હવે જ્યાંથી નમૂના લેવાયા હતા તે માર્કેટિંગ યાર્ડની પેઢી સામે કોર્ટ કેસની કાર્યવાહી કરાશે.
શહેરના માર્કેટિંગ યાર્ડ ડી-28માં માધવ ટ્રેડિંગ નામની પેઢીમાંથી તુલસી બ્રાન્ડ ધાણાજીરૂ પાઉડરનો નમૂનો લેવામાં આવ્યો હતો. સ્થળ પર ત્યારે 22 પેકેટ પડ્યા હતા જે પૈકી 200 ગ્રામનું એક પેકેટ લેવાયું હતું. લેબ ટેસ્ટમાં આ પાઉડરમાં જંતુનાશકનું પ્રમાણ વધુ માત્રામાં નીકળ્યું હતું. જંતુનાશક હોવાથી જે માનવ આરોગ્ય માટે જોખમી તેમજ ભોજન માટે સુરક્ષિત ન હોવાથી અનસેફ જાહેર કરાયું છે. જંતુનાશકનું પ્રમાણ વધારે હોય તેવા ખાદ્યપદાર્થોને કારણે કેન્સર થવાનુ તેમજ પેટથી માંડી આંતરડા સુધીના રોગ પણ થઈ શકે છે. સબસ્ટાન્ડર્ડ કે મિસ બ્રાન્ડ હોય તો અધિક કલેક્ટરને દંડની સત્તા છે જ્યારે અનસેફ જાહેર થાય તો સીધા કોર્ટમાં જ કેસ કરવાનો થાય છે.
આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમીયાન ગિરિરાજ હોસ્પિટલની કેન્ટિનમાં ઘઉંનો, લોટ બાજરીનો લોટ અને ચણાદાણમાં જીવાત, ધનેડા જોવા મળ્યા તેમજ સંગ્રહ કરેલ ખોરાક વાસી જોવા મળતા કુલ 30 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરાયો અને નોટીસ પણ ફટકારવામાં આવી છે.