ધનતેરસે એક જ દિવસમાં સોના-ચાંદી અને વાહનોની ગુજરાતીઓએ ધૂમ ખરીદી કરી. અમદાવાદમાં બે હજાર સહિત રાજ્યમાં અંદાજિત 5 હજાર કારનું વેચાણ થયું. જ્યારે સુરતમાં અંદાજિત 225 કરોડ, રાજકોટમાં 150 કરોડથી વધુ અને વડોદરામાં 200 કરોડનો સોના-ચાંદીના દાગીનાનો વેપાર થયો હતો.
ધનતેરસ પર સોના-ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 3,106 રૂપિયા ઘટીને લગભગ 1.41 લાખ રૂપિયા પર આવી ગયા. એક કિલો ચાંદી 5,437 રૂપિયા સસ્તી થઈને 1.81 લાખ રૂપિયા પર પહોંચી. તેના એક દિવસ પહેલાં સોનું 1.44 લાખ અને ચાંદી 1.87 લાખ રૂપિયા પર હતી. આ વર્ષે ચાંદી 49 હજાર રૂપિયા સસ્તી થઈ હતી.
ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં અનેક જ્વેલર્સમાં લોકો સોના-ચાંદીના દાગીના અને લગડીની ખરીદી કરવા પહોંચ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાતાં ખરીદદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં માત્ર ટોકન પૂરતી ખરીદી કરવાને બદલે પૂરતા આયોજન સાથે લોકોએ ખરીદી કરી હતી.
સુરતમાં 225 કરોડથી વધુનો વેપાર
સુરતના અગ્રણી વેપારીઓના જણાવ્યા અનુસાર માત્ર એક જ દિવસમાં શહેરમાં અંદાજે 225 કરોડ રૂપિયાથી પણ વધુના સોના અને ચાંદીનું રેકોર્ડબ્રેક વેચાણ થયું. બજારમાં ખાસ કરીને આધુનિક ડિઝાઇન ધરાવતી લાઇટ વેટ જ્વેલરી તેમજ પરંપરાગત દાગીના અને સિક્કાઓની જબરદસ્ત ડિમાન્ડ રહી હતી.