દિવાળી બાદ પણ રાજકોટ એસટીની મોટાભાગની બસો ફૂલ, રોજના 90 હજારથી વધુ મુસાફરો

રાજકોટ એસટી વિભાગને દિવાળીના તહેવારો તો ફળ્યા જ છે, પરંતુ દિવાળી બાદનાં દિવસો પણ વિભાગને હજુ ખુબ જ ફળી રહ્યા છે. ગત તા. 26 બાદ પણ રાજકોટ વિભાગની બસો હજુ ફુલ દોડી રહી છે અને તંત્રને રિટર્ન ટ્રાફિકની જંગી આવક મળી રહી છે. રાજકોટ એસટી વિભાગનાં જણાવ્યા મુજબ ગત તા. 26 બાદ પણ દૈનિક આવક રૂ. 75 લાખ જળવાઈ રહી છે. રાજકોટ એસટી વિભાગને ગત તા.18થી 26 સુધીમાં રૂ.5.81 કરોડથી વધુની આવક થઈ હતી અને આ 9 દિવસો દરમિયાન વિભાગે 15,003 ટ્રીપો વિવિધ રૂટો ઉપર દોડાવી હતી. આ ટ્રીપોનો 8 લાખ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. એસટી વિભાગે જણાવ્યા મુજબ, ગત તા. 25ના રોજ રાજકોટ એસટી વિભાગને સૌથી વધુ રૂ. 78.16 લાખની આવક થઈ હતી. ગત તા.24થી 26 દરમિયાન દૈનિક એક લાખથી વધુ મુસાફરોએ રાજકોટ વિભાગની બસોમાં મુસાફરી કરી હતી. ઉપરાંત હજુ પણ તા. 27થી મોટાભાગની બસો રોજ ફુલ રહે છે. તેમજ દરરોજ 90 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. જેને લઈને રાજકોટ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે.

અન્ય સમાચાર રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી ફરી ચોમાસુ માહોલ હોવાથી ડામર કામ-પેચવર્ક અટકી ગયા છે. ટ્રાફિકથી ધમધમતા અને પોશ વિસ્તારો સાથે જોડાયેલા અનેક રોડની હાલત કફોડી બની છે. ખાસ કરીને, લક્ષ્મીનગર અંડરબ્રિજથી નાના મવા ચોક તરફ જતો મેઇન રોડ ભાંગીને ભૂક્કો થઇ ગયો છે. પાઇપલાઇનના ખોદકામ બાદ તુરંત ડામર કામની ખાતરી અપાઇ હતી, પરંતુ વરસાદના કારણે દિવાળી પહેલા બંધ થયેલું કામ હજુ શરૂ થયું નથી. એકતરફ લક્ષ્મીનગર મેઇન રોડ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડ્યા છે, જેમાં પાણી ભરાયેલા રહે છે. જેના કારણે સિટિ બસો, તેમજ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને ખાડાથી બચવા સંઘર્ષ કરવો પડે છે અને અકસ્માતોની દહેશત ઉભી થઇ છે. ત્યારે આ રોડનું રિપેરિંગ તાત્કાલિક પૂર્ણ થાય તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *