ડૉ. પી. કે. મિશ્રાએ ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક નેતૃત્વની રૂપરેખા આપી

મુંબઈમાં આયોજિત 13મા એસબીઆઈ બેંકિંગ એન્ડ ઇકોનોમિક્સ કોન્કલેવ 2026માં પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ ભારતના આર્થિક ઉત્થાન અને ભવિષ્યની રૂપરેખા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. “ફ્રોમ ઇમર્જિંગ ટુ લીડિંગ: ઇન્ડિયાઝ એક્સપાન્ડિંગ રોલ ઇન ધ ગ્લોબલ ઇકોનોમિક ઓર્ડર” વિષય પર બોલતા તેમણે જણાવ્યું કે ભારતની આ સફર માત્ર આર્થિક કદ વધારવાની નથી, પરંતુ એક મજબૂત સંસ્થાકીય પ્રક્રિયા છે.

ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં દેશની મેક્રોઇકોનોમિક સ્થિરતા, રાજકોષીય એકીકરણ, બેંકોની મજબૂત બેલેન્સ શીટ, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC), જીએસટી (GST), અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) જેવા સુધારાઓએ દેશને મજબૂત પાયો પૂરો પાડ્યો છે.

વૈશ્વિક આર્થિક આંચકાઓ વચ્ચે પણ મહામારી પછી ભારતીય અર્થતંત્ર વાસ્તવિક દ્રષ્ટિએ સરેરાશ 7 ટકાથી વધુના દરે વૃદ્ધિ પામ્યું છે, અને ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 7.8 ટકા રહ્યો છે. વૈશ્વિક બજારમાં ભારતની ભૂમિકા અંગે વાત કરતા ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે દેશ પાસે માત્ર એક મોટું બજાર હોવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ હવે વૈશ્વિક સ્તરે એક મહત્ત્વપૂર્ણ ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને ઇનોવેશન હબ બનવાની સુવર્ણ તક છે.

આ અર્થે તેમણે સૂચવ્યું કે ભારતે હવે “મેક ઇન ઇન્ડિયાથી આગળ વધીને ડિઝાઇન ઇન્ડિયા, ઇનોવેટ ઇન્ડિયા અને લીડ ફ્રોમ ઇન્ડિયા” ના મંત્ર સાથે આગળ વધવું પડશે. ગ્લોબલ વેલ્યુ એડિશન, મજબૂત કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ અને બૌદ્ધિક સંપદાના વિકાસ પર વિશેષ ભાર મૂકવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *