રાજકોટની બી. એ. ડાંગર હોમિયોપેથી કોલેજ ફરી વિવાદમાં આવી છે. અહીં લેઇટ ફીની પેનલ્ટી તરીકે દરરોજના રૂ.100 વસૂલવામાં આવે છે અને ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવતા નથી અને વાયવામાં નપાસ કરવાની ધમકી આપવામાં આવે છે. ત્યારે આજે 2 માર્ચના વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીએ હલ્લાબોલ કરી કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જે સમયે બી. એ. ડાંગર કોલેજ હાય હાય, ‘ફી નહીં તો ફોર્મ નહીં, આવા અન્યાય બંધ કરો’ અને ‘VC તુમ એક કામ કરો, ખુરશી છોડો આરામ કરો’ જેવા નારા લાગ્યા હતા. જોકે કુલપતિએ 2 દિવસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.
વિદ્યાર્થી સંગઠનના બીપીન પરમારે જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી. એ. ડાંગર હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓને થયેલા અન્યાયનો ન્યાય માંગવા માટે કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી. જે કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેઈટ ફીના એક દિવસના રૂ.100 વસૂલવામાં આવે છે. જેવી વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેઓના પરીક્ષા આપવામાં કોલેજ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે અને વાયવામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવે છે તે બંધ થાય. આ કોલેજમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં ન આવે તેવી માગ છે.