રાજકોટના રામનાથપરા શેરી નં-1માં કરીમપુર મસ્જિદ સામે રહેતા અને લાખાજીરાજ રોડ પર સાનિયા ડ્રેસિસ નામની દુકાન ધરાવતા આબિદભાઈ ફારૂકભાઈ કામદાર(ઉ.વ.35) દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનવર દારૂવાલા તેનો પુત્ર વાજિદ અને મોસીન રફીકભાઈ આકબાણીના નામ આપ્યા છે.
આબિદભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુરુવારે રાત્રીના દોઢેક વાગ્યે યુવક અને તેના કાકાનો દીકરો ઘરે જતા હતા ત્યારે રામનાથપરા શેરી નં-22ના કોર્નર પાસે પહોંચતા અનવર દારૂવાલા અને તેનો દીકરો વાજિદએ બૂમ પાડી બોલાવતા બંને તેની પાસે ગયા હતા. ત્યારે અનવરભાઈએ યુવકને કહ્યું હતું કે, કરીમપુરા મસ્જિદ પાસેની ટ્રસ્ટની દુકાનની મેટરમાં કેમ વચ્ચે પડે છે અને અત્યારે કેમ જમાતની મિટિંગમાં ગયો હતો. હું તને જોઈ લઈશ કહી ધમકી આપી હતી. આથી યુવકે સામે કહ્યું કે, કાકા તમે સંધીને દુકાન શા માટે ખાલી કરવા કહ્યું હતું. અનવરભાઈએ જણાવેલ કે ત્યાં મારે ઓફિસ કરવી છે અને તે દુકાનનો કબજો કરવો છે.
જે દરમિયાન અનવરભાઈના દીકરા વાજિદે ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડવા લગતા સ્કૂટરમાંથી પાઈપ અને ગુપ્તી જેવું હથિયાર કાઢી હુમલો કર્યો હતો. મોસીને તે પકડી રાખતા અનવરભાઈએ નેફામાંથી છરી કાઢી પડખાના ભાગે ઝીંકી દીધી હતી. યુવકને લોહી નીકળવા લાગતા ભત્રીજો આબીદ તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ મામલે યુવકની ફરિયાદના આધારે પિતા-પુત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.