ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે તેનું કારણ વ્યસ્ત કાર્યક્રમ જણાવ્યું છે.
લગભગ 15 વર્ષ બાદ પહેલીવાર ઇટાલીના વડાપ્રધાન UNGAની વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ નહીં થાય. મેલોનીની જગ્યાએ વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાની UNGAમાં ઇટાલીનું પ્રતિનિધિત્વ કરશે.
મેલોનીના ન્યૂયોર્ક ન જવાથી તેમની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે રૂબરૂ મુલાકાત પણ નહીં થાય.
આ વર્ષે જૂનમાં G7 સમિટ દરમિયાન બંને વચ્ચે વિવાદ વધી ગયો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે આતુર હતા. આ અંગે મેલોનીએ જવાબ આપ્યો હતો, ‘મારે તેના માટે આજીજી કરવાની જરૂર નથી.’
ઈરાનના મુદ્દે પણ ટ્રમ્પ અને મેલોનીના વલણમાં અંતર રહ્યું. મેલોનીએ ઈરાન વિરુદ્ધ અમેરિકાની સૈન્ય કાર્યવાહીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું નહોતું. ત્યારબાદ ટ્રમ્પે જાહેરમાં તેમના વલણની ટીકા કરી હતી.
જોકે, ઈટાલી અને અમેરિકા વચ્ચે સુરક્ષા સહયોગ ચાલુ છે. ઈટાલી NATOનું સભ્ય છે અને ત્યાં આશરે 13 હજાર અમેરિકન સૈનિકો તહેનાત છે. એવિયાનો, નેપલ્સ, વિચેન્ઝા અને સિસિલીમાં અમેરિકાના મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ છે.