અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાને ઈરાન યુદ્ધમાં જીત મળી છે. સાથે જ ચેતવણી આપી કે અમેરિકા 2-3 અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરશે.
ટ્રમ્પે આગળ જણાવ્યું કે ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નૌકાદળ ખતમ થઈ ગયું છે. તેમની સૈન્ય તાકાત ઘણી નબળી પડી ગઈ છે. આ સૈન્ય અભિયાનનો મુખ્ય હેતુ પૂરો થવા જઈ રહ્યો છે.
ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી હતી કે જો કરાર નહીં થાય, તો અમેરિકા ઈરાનને ‘સ્ટોન એજ’ એટલે કે ‘પાષણકાળ’માં મોકલી દેશે. જોકે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને નવું નેતૃત્વ પહેલા કરતા ઓછું કટ્ટર છે.
ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત NASA ની ટીમને આર્ટેમિસ-II ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન આપીને કરી. તેમણે ચંદ્રની યાત્રા પર જઈ રહેલા ક્રૂના પણ વખાણ કર્યા.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આગામી 2-3 અઠવાડિયામાં ઈરાન પર મોટા પાયે હુમલા કરવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા તેના સૈન્ય લક્ષ્યોને ટૂંક સમયમાં હાંસલ કરી લેશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા તમામ ઉદ્દેશ્યો પૂરા કરવાની નજીક છે અને આવનારા અઠવાડિયામાં હુમલાઓ વધુ તેજ કરવામાં આવશે.