ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં જમીનમાંથી અચાનક પાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો હતો. આ ઘટના ગામના વિઠ્ઠલભાઈ દેસાઈભાઈની વાડીમાં બોરવેલ ખોદકામ દરમિયાન બની હતી. પાણીના ભારે દબાણને કારણે ફુવારો ૨૦ ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી ઉછળ્યો હતો.
બોરવેલમાંથી અચાનક ફૂટેલા આ પાણીના ફુવારાથી થોડી જ વારમાં આખું ખેતર પાણીથી ભરાઈ ગયું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર જોવા ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ આ નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.
વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં છે. આવા સમયે ઝાંઝમેર ગામમાં બોરવેલ ખોદકામ દરમિયાન ફૂટેલી આ જળધારાએ ખેડૂતોમાં નવી આશા જગાડી છે.
જોકે, જમીનમાંથી આટલા મોટા પ્રમાણમાં પાણી કયા સ્ત્રોતમાંથી અને કયા ભૂગર્ભ જળસ્તરથી આવ્યું તે અંગે નિષ્ણાતોની તપાસ પછી જ સાચી માહિતી સામે આવશે.