સાડી ઉદ્યોગના હબ ગણાતા ઔદ્યોગિક શહેર જેતપુરના શ્રમિકોને એક ટંક ભરપેટ ભોજન મળી રહે તેના માટે સરકાર દ્વારા માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક આહાર પૂરો પાડતો ”શ્રમિક અન્નપૂર્ણા રથ” શરૂ કરવામાં આવ્યો છે.
સાડી ઉદ્યોગ માટે જગ પ્રસિદ્ધ જેતપુર શહેરમાં હજારોની સંખ્યામાં શ્રમિકો રોજગારી મેળવે છે. સવારથી સાંજ સુધી કારખાનાઓમાં પરસેવો પાડતા આ શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે હેતુસર રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જેતપુરમાં શ્રમિક અન્નપૂર્ણા રથનો શુભારંભ કરવામાં આવ્યો છે.
અન્નપૂર્ણા રથમાં જે કોઈ શ્રમિક ભોજન કરવા ઇચ્છતો હોય તેમની પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે અને શ્રમિક કાર્ડ પણ સ્થળ પર જ ધનવંતરી રથમાં કાઢી આપવામાં આવે છે.
જેતપુર શહેરમાં દરરોજ જ્યાં સૌથી વધુ શ્રમિકો કામ માટે એકઠા થાય છે, તેવા મુખ્ય વિસ્તારો શિવાજી ચોક અને બસ સ્ટેન્ડ પાસે એમ બે મહત્વની જગ્યાએ આ રથ મૂકવામાં આવ્યો છે. જેથી મહત્તમ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકે.
અહીં માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે શ્રમિકોને મેનૂ મુજબ દાળ-ભાત, બે પ્રકારના શાક, રોટલી અને સાથે મીઠાઈમાં શિરો પણ આપવામાં આવે છે જેથી શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે. આ માત્ર ભોજન નથી, પણ સ્વાદ અને પોષણનો ખજાનો છે.