રાજકોટ ગ્રામ્યના જસદણ રેન્જ વિસ્તારમાં બનેલા ચિંકારાના શિકારના ચર્ચિત અને ગંભીર કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે આરોપી વલ્લભ મકાભાઈ કમઝળિયાની નિયમિત જામીન અરજી મંજૂર કરવાનો હુકમ કર્યો છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા, 1972ની શેડ્યૂલ-1 હેઠળ સંરક્ષિત એવા ચિંકારાના શિકાર જેવા ગંભીર ગુનામાં આરોપી જુલાઈ મહિનાથી કસ્ટડીમાં હતો જે બાદ જેલમાંથી છૂટવા જામીન અરજી કરતા બંને પક્ષોની ધારદાર દલીલો, કાનૂની જોગવાઈઓ અને સર્વોચ્ચ અદાલતના જામીન અંગેના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
5 જુલાઈ, 2026ના રોજ જસદણ રેન્જના વન વિભાગના સ્ટાફે ઉમથ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વલ્લભ કમઝળિયાને એક મૃત નર ચિંકારા, હાથ બનાવટની બંદૂકો, છરી તથા દારૂગોળા સાથે ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગ કરી હતી, જેને ટ્રાયલ કોર્ટે નામંજૂર કરી હતી. રાજ્ય સરકારે આ હુકમ સામે કરેલી અપીલ પણ 14 ઓગસ્ટ, 2026ના રોજ અપીલ કોર્ટે ફગાવી દીધી હતી.
ધરપકડના દિવસથી સતત જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટે તમામ દસ્તાવેજોનું અવલોકન કરતા નોંધ્યું હતું કે આરોપી પાસેથી મૃત પ્રાણી તથા હથિયારો મળી આવ્યાના આક્ષેપો ટ્રાયલ દરમિયાન સાબિત થવાના બાકી છે અને ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગી શકે છે. બંધારણની કલમ-21 હેઠળ મળેલા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર, ગુનાની પ્રકૃતિ અને સંભવિત સજાના પાસાઓને મૂલવીને કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.