જન્માષ્ટમીનાં પર્વે રાજકોટવાસીઓનો નવો વિક્રમ

જન્માષ્ટમીના પવિત્ર પર્વને લઈ રાજકોટમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારોના દિવસોમાં શુભ મુહૂર્ત પર નવું વાહન લેવાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને રંગીલા રાજકોટના નાગરિકોએ વાહન બજારમાં ભારે બોલબાલા સર્જી છે. ખાસ કરીને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવાર પર લોકો તેમના પરિવાર માટે નવા વાહન ખરીદવા મોટી સંખ્યામાં શોરૂમ પર પહોંચ્યા હતા. શુભ મુહૂર્તમાં લોકોએ ₹30.24 કરોડનાં ખર્ચે 984 નવા વાહનોની ખરીદી કરતા મનપાને વહીકલ ટેક્સની ₹65.42 લાખની આવક થઈ છે.

રાજકોટ મહાનગરપાલિકાના તારીખ 31 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધીના વાહન વેરા સંબંધિત આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન રંગીલા રાજકોટવાસીઓએ કુલ 984 નવા વાહનોની ખરીદી કરી છે. આ તમામ વાહનોની કુલ ખરીદ કિંમત ₹30,24,54,004 નોંધાઈ છે. આટલી વિશાળ માત્રામાં થયેલી ખરીદીના પરિણામે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં વાહન વેરા પેટે ₹65,42,922 ની માતબર આવક જમા થઈ છે.

રાજકોટવાસીઓએ સૌથી વધુ ટુ-વ્હીલર ખરીદ્યા આ વર્ષે વાહનોની ખરીદીમાં રાજકોટવાસીઓની સૌથી પહેલી પસંદગી ટુ-વ્હીલર રહી છે. કુલ ખરીદાયેલા વાહનોમાં 742 પેટ્રોલ ટુ-વ્હીલર અને 3 CNG ટુ-વ્હીલર મળીને કુલ 745 ટુ-વ્હીલરની ખરીદી નોંધાઈ છે, જે તહેવારોના સમયમાં બાઈક અને સ્કૂટરની વધતી માંગ દર્શાવે છે. ઉપરાંત ચાર પૈડાંવાળા અને અન્ય વાહનોની વાત કરીએ તો લોકોએ કાર અને ભારે વાહનોમાં પણ નોંધપાત્ર રસ દાખવ્યો છે. જેમાં CNG, ડીઝલ ઉપરાંત પેટ્રોલ મળીને કુલ 198 LMV કાર તેમજ 23 LCV, 5 ભારે વાહનો અને અન્ય કોમર્શિયલ વાહનો મળીને ચાર પૈડાં અને તેનાથી વધુ સ્પેસ ધરાવતા વાહનોની ધૂમ ખરીદી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *