શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રહેતાં યુવાને માર્કેટિંગ યાર્ડ પાસે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રહેતાં વિરાજભાઇ જેન્તીભાઇ જસાણી(ઉ.વ.25) નામના યુવાને માર્કેટ યાર્ડ પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ તેનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર વિરાજભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. થોડા મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતાં. તે પિતા સાથે ફેક્ટરી ચલાવતા હતા. બેંકમાં જવાનું કહીને નીકળ્યા બાદ આ બનાવ બન્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, યુવાનની એકાદ વર્ષથી ડિપ્રેશનની દવાઓ શરૂ હતી. પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ યથાવત રાખી હતી.