ગ્રેજ્યુએટ હોવા છતાં નોકરી નહીં મળતાં હતાશ યુવકનો કટરથી ગળું કાપી આપઘાત

નાનામવા મેઇન રોડ, મેઘમાયાનગરમાં સારી નોકરી ન મળતાં ગ્રેજ્યુએશન અભ્યાસ કરેલા યુવકે કટરથી ગળું કાપી આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. સ્યૂસાઇડ નોટ લખી યુવકે પગલું ભર્યું હતું. તેમાં લખ્યું હતું કે,‘આમાં કોઇનો વાંક નથી, ગ્રેજ્યુએશન કર્યા પછી પણ નોકરી ન મળતાં આ પગલું ભરું છું.’

બનાવની પ્રાત માહિતી મુજબ, નાનામવા મેઇન રોડ, રાજનગર ચોક પાસે મેઘમાયાનગર શેરી નં.5માં રહેતા રોહિત પ્રકાશભાઈ વોરા(ઉં.વ.23)નામના યુવકે ગુરુવારે સાંજે ઝાડ કાપવાના ઇલેક્ટ્રિક કટર વડે જાતે જ ગળું કાપી આત્મહત્યા કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે 108ને ફોન કરી બોલાવી, 108ના તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરતાં યુવકના પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે. માલવિયાનગર પોલીસ મથકના કેતન શેખલિયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યા મુજબ, આપઘાત કરનાર રોહિત બે ભાઈમાં મોટો અને અપરિણીત હતો. જ્યારે તેના પિતા એલઆઇસી એજન્ટ તરીકે નોકરી કરે છે. રોહિતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ પણ તેને સારી નોકરી મળતી ન હોય અને બેરોજગાર હોય જેથી કંટાળીને તેણે ગળા પર કટર ફેરવી જીવ ટૂંકાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *