ગૃહમંત્રીને સોશિયલ મીડિયામાં ખૂનની ધમકી આપનાર આસિફ હૈદરાબાદથી ઝડપાયો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં ગાળો આપી ખૂનની ધમકી આપનાર આસિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાને રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે હૈદરાબાદમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીએ રાજકોટમાં પોતાના મિત્રના ઘરમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી ભાગ્યા બાદ હૈદરાબાદમાં અલગ-અલગ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.

ચાર દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આસિફે ઈરાનના સુપ્રીમ લીડર Ali Khameneiનું ઉપરાણું લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ બેફામ ગાળો ભાંડી તેમને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ વચ્ચે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરા હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ બહાર પ્રસંગે જવાના હોવાથી પોતાના મિત્ર આસિફને મકાનની ચાવી આપી ગયા હતા. પરંતુ મિત્રએ ગદારી કરી ઘરમાંથી રૂ.1.50 લાખ રોકડ ઉઠાવી નાસી ગયો હતો. બાદમાં આરોપી ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં રહી રૂપિયા પરત આપવાની વાતો કરતો હતો પરંતુ રૂપિયા પરત ન કરતાં ફરિયાદ નોંધાઈ હતી.

બંને બનાવોને ધ્યાનમાં લઈ સાયબર ક્રાઇમ પીઆઈ જે.એમ. કૈલા અને તેમની ટીમે આરોપીનું ટેક્નિકલ ટ્રેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન આસિફ હૈદરાબાદમાં હોવાનો પતો મળતા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને તેને ઝડપી રાજકોટ લાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં આસિફે જણાવ્યું હતું કે, ચોરી કર્યા બાદ તે હૈદરાબાદ ભાગી ગયો હતો. ત્યાં પહેલા ખાનગી ટ્રાવેલ્સની બસમાં ક્લિનર તરીકે કામ કરતો હતો અને છેલ્લા થોડા સમયથી એક હોટેલના હાઉસકિપિંગ વિભાગમાં નોકરી કરતો હતો. હાલ સાયબર ક્રાઇમ ટીમે તેને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જરૂર જણાય તો તાલુકા પોલીસ બાદમાં સ્ટેટ સાયબર ક્રાઇમ વધુ પૂછપરછ માટે કબજો મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *