ગુજરાત ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું

ગુજરાત ટાઇટન્સ IPLમાં ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. ફાઈનલમાં 31 મેના રોજ અમદાવાદમાં ગુજરાતની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે.

શુક્રવારે મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ગુજરાતનો IPLમાં આ સૌથી મોટો રન ચેઝ છે. આ પહેલાંનો સૌથી મોટો સફળ રન ચેઝ 204 રનનો હતો.

કેપ્ટન ગિલ-સુદર્શન વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશીપ

ગુજરાત માટે રનચેઝમાં કેપ્ટન શુભમન ગિલે 53 બોલમાં 104 રન ફટકાર્યા. જ્યારે સાઈ સુદર્શને 58 રનની ઇનિંગ રમી. બન્ને વચ્ચે 77 બોલમાં 167 રનની ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી. રાજસ્થાન માટે નાન્દ્રે બર્ગર, જોફ્રા આર્ચર અને બ્રિજેશ શર્માને 1-1 વિકેટ મળી હતી.

આ પહેલાં, રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 96 રનની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 સિક્સર પણ ફટકારી હતી. તેના સિવાય રવીન્દ્ર જાડેજાએ અણનમ 45 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, ડોનોવન ફરેરાએ 11 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા.

ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 1-1 સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *