ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી મશીનની લોન લઇ રૂપિયા 10 લાખની છેતરપિંડી

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કેકેવી હોલ પાસે નક્ષત્ર બિલ્ડિંગમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી ત્રણ શખ્સે મશીનરી માટે લોન લઇ રૂ.10 લાખનો ચૂનો ચોપડ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પોલીસે બેન્ક મેનેજરની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

રાજકોટના મનહર પ્લોટમાં પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રવિભાઇ ભરતભાઇ ગોહેલ નામના ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરેલીના કમીગઢના હિરેન ધનજી સરખેડી, રાજકોટના ચિરાગ વિનુ વઘાસિયા અને અંકુર મગન બોરડનું નામ આપ્યું છે.

આરોપી હિરેન સરખેડીએ બેન્કમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન ખરીદવા રૂ.10 લાખની લોન લીધી હતી. આ લોન માટે આરોપી હિરેન સરખેડીએ આરોપી ચિરાગ અને અંકુરની હરક્યુલીન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢીનું ક્વોટેશન આપ્યું હોય ફરિયાદીએ તેમના ખાતામાં રૂ.10 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ત્રણેક મહિના સુધી આરોપી ચિરાગ અને અંકુર મશીન ડિલિવરી કરતા ન હોય ફરિયાદીએ તપાસ કરતાં આરોપી હિરેન સરખેડી ફ્રોડ જણાતા તે અંગે આરોપી ચિરાગ અને અંકુરને જાણ કરી હતી અને મશીન ડિલિવરી કરતાં નહીં તેમ કહ્યું હતું. આમ છતાં બન્ને આરોપીઓ મશીન ડિલિવરી થઇ ગયાનું જણાવી બે અલગ-અલગ ઇ-વે બિલો બનાવી બેન્કના નાણાં ઓળવી જવામાં આરોપી હિરેનની મદદગારી કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *