ગુજરાત ટાઇટન્સે IPLની વર્તમાન સીઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હરાવ્યું હતું.
અમદાવાદમાં 181 રનનો ટાર્ગેટ ગુજરાતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમ 20 ઓવરમાં 180 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગિલે સતત ત્રીજી મેચમાં ફિફ્ટી ફટકારી
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે રન ચેઝને એકતરફી બનાવી દીધો હતો. તેણે 50 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સાઈ સુદર્શન સાથે ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ 31 બોલમાં 57 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગિલે બટલર સાથે 38 રન અને સુંદર સાથે 46 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ સિવાય સાઈ સુદર્શને 22, બટલરે 25 અને સુંદરે 13 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી હતી.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા તરફથી કેમેરન ગ્રીને 55 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. જોકે, ટીમનો અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી.
રબાડાએ 3 વિકેટ ઝડપી
ગુજરાત તરફથી કગીસો રબાડાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને અશોક શર્માને 2-2 વિકેટ મળી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાનના ફાળે એક-એક વિકેટ આવી હતી.