ગરબી જોઇને જતા યુવકને છરી ઝીંકી લૂંટવાનો પ્રયાસ

શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં પ્રથમ નોરતે જ ગરબી જોઇને જઇ રહેલા યુવકને બે શખ્સે આંતરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, યુવક પાસેથી કંઇ કિંમતી વસ્તુ નહીં મળતાં તેને છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો, ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કોઠારિયા સોલવન્ટ નજીક શિતળાધાર વિસ્તારમાં રહેતો અને કડિયાકામની મજૂરી કરતો ઉત્તરપ્રદેશનો વતની વીરબહાદુર હરિભાઇ મહંતો (ઉ.વ.36) ગુરૂવારે રાત્રે ઘર નજીક ગરબી જોવા ગયો હતો, ગરબી પૂરી થતાં રાત્રીના ચાલીને તે પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને સચિન સહિત બે શખ્સે અટકાવ્યો હતો, બંને શખ્સ તે વખતે બેસીને ચીલમ જેવું કંઇ પી રહ્યા હતા. બંને શખ્સે વીરબહાદુરને જે હોય તે આપી દેવાનું કહી તેના ખિસ્સા તપાસ્યા હતા પરંતુ રોકડ કે કંઇ કિંમતી વસ્તુ નહીં મળતાં બંનેઅે ગાળો ભાંડી હતી અને વીરબહાદુરને પગમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.

હુમલો થતા પરપ્રાંતીય યુવકે દેકારો મચાવતા બંને શખ્સ નાસી ગયા હતા, ઘટનાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને હુમલામાં ઘવાયેલા વીરબહાદુરને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *