ગણપતિ મહોત્સવની તડામાર તૈયારીઓ

જન્માષ્ટમીનો તહેવાર પૂરો થતાની સાથે જ ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ માટે આયોજકો દ્વારા પણ અગાઉથી જ ભગવાનની મનપસંદ મૂર્તિ તૈયાર કરાવવા સહિતની તૈયારીઓ કરી દેતા હોય છે. ખાસ બંગાળથી મૂર્તિકારો દર વર્ષે રાજકોટ આવતા હોય છે અને જૂન મહિનાથી તેઓ ઓર્ડર મુજબ દુંદાળા દેવની મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે પણ બજારમાં અનેક અલગ-અલગ સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઉપલબ્ધ છે, તેમાં પણ શિવજીના સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ આકર્ષણ જમાવ્યું છે.

મૂળ પશ્ચિમ બંગાળના વતની અને 30 વર્ષથી ગણેશ મહોત્સવ પૂર્વે રાજકોટમાં આવી રેસકોર્સ બાલભવન ખાતે અલગ-અલગ મૂર્તિ તૈયાર કરતા દીપકભાઈએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવની તૈયારીઓ અમે જૂન મહિનાથી શરૂ કરી દેતા હોઈએ છીએ. કુલ 15થી 20 લોકો બંગાળથી આવી અહીંયા રાજકોટમાં મૂર્તિ બનાવીએ છીએ. સરકારના નિયમોનું પાલન કરી મૂર્તિ બનાવી રહ્યા છીએ. અમારી પાસે 1 ફૂટથી શરૂ કરી 8 ફૂટ સુધીની સાઈઝમાં અલગ-અલગ સ્વરૂપમાં ભગવાન ગણેશજીની મૂર્તિ ઉપલબ્ધ છે. આ વખતે કાચા માલમાં મોંઘવારી આવી જેના કારણે મૂર્તિના ભાવમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં 1500 રૂપિયાથી શરૂ કરી 30,000 રૂપિયા સુધીની મૂર્તિ બજારમાં ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *