ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ફરજમાં રુકાવટ

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે મંગળવારે ખાણ ખનીજ ખાતાનો સ્ટાફ ચેકિંગમાં હતો ત્યારે કુવાડવા તરફથી રેતી ભરીને આવતા ડમ્પરને અટકાવ્યું હતું ત્યારે બે શખ્સે ગાડી પોલીસ મથકે લઇ જવાની ના પાડી ગ્રીનલેન્ડ ચોકડી પાસે જ અન્ય વાહનોને અવરોધરૂપ થાય અને અકસ્માત થાય તે રીતે ડમ્પર ઠાલવી દઇને નાસી જઇ ફરજમાં રુકાવટ કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

રાજકોટના કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલની બાજુમાં સરકારી વસાહત બ્લોક નં.7, ક્વાર્ટર નં.83માં રહેતા હિતેષ મેરૂભાઇ સોલંકીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેડી ગામના ગૌતમ અને મોબાઇલ નં.7490000201 ધરાવતા જસદણ તાલુકાના ભડલી ગામના કિશન રાજગોરનું નામ આપ્યું છે.

ફરિયાદી ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર છે અને મંગળવારે રાત્રે 10.05 વાગ્યે પોતાની કાયદેસરની ફરજમાં હતા અને વાહનો રોકીને ચેક કરતા હતા ત્યારે કોઇપણ જાતના રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ વગરનું અશોક લેલેન્ડ કંપનીનું 40 મેટ્રિક ટન રેતી ભરેલું ડમ્પર નીકળતા તેને સીઝ કરવાનું કહેતા આરોપી ગૌતમે આરોપી કિશનને બોલાવ્યો હતો અને ફરિયાદીને ‘આ ગાડી સ્ટાફની જ છે, મારી ગાડી પોલીસ સ્ટેશને નહીં આવે થાય તે કરી લેજો’ તેમ કહી ગાળો દઇ ફરિયાદીને રોકવા છતાં ડમ્પર આગળ લઇ જઇ રેતી ખાલી કરી ડમ્પર લઇ નાસી જઇ ફરિયાદી તથા શાહેદની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *