ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટર અને ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ મેદાન પર પોતાના તોફાની અંદાજ માટે જાણીતા છે. પોતાની આક્રમક બેટિંગથી વિરોધી ટીમના બોલરોના છક્કા છોડાવનારા સૂર્યા આ વખતે કોઈ મેચને કારણે નહીં, પરંતુ એક ખાસ રોકાણને લઈને ચર્ચામાં આવ્યા છે. સૂર્યકુમારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ કરતાં દુબઈમાં એક અત્યંત લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ નવા ઘર સાથે તેઓ હવે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના પડોશી બની ગયા છે.
સોશિયલ મીડિયા પર ખુશી શેર કરી
સૂર્યકુમાર યાદવે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ખુશખબર ફેન્સ સાથે વહેંચી છે. આ વીડિયોમાં સૂર્યા પ્રોપર્ટીના દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે. આ ખાસ પળે તેમની પત્ની દેવિશા શેટ્ટી પણ સાથે હાજર હતી અને બંને દસ્તાવેજો પર સાઈન કરતી વખતે હળવી પળો માણતાં નજરે પડ્યાં હતાં.
સૂર્યકુમારે આ પ્રોપર્ટી જાણીતા રિયલ એસ્ટેટ ગ્રૂપ ‘ડેન્યૂબ પ્રોપર્ટીઝ’ પાસેથી ખરીદી છે. દુબઈમાં રોકાણ કરવા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “અમે અહીં આઈપીએલ (IPL) રમ્યા હતા. હું 2014માં પહેલીવાર અહીં આવ્યો હતો અને ત્યારબાદ 2020માં પણ આવ્યા હતા. અત્યારે આખું ભારત જાણે દુબઈ તરફ વળી રહ્યું છે. અહીંની લક્ઝરી અને જીવનશૈલી સાચે જ અદભુત છે. ભારતમાં સલામતી છે જ, પરંતુ દુબઈ પણ સેફ્ટીની બાબતમાં ઉત્કૃષ્ટ સ્થળ છે. અહીં આવીને ખૂબ જ શાંતિ અને આનંદનો અહેસાસ થાય છે.”
પ્રીમિયમ વોટરફ્રન્ટ પ્રોજેક્ટ અને ખાસ સુવિધાઓ
પોસ્ટના કેપ્શનમાં સૂર્યાએ વિગત આપતાં લખ્યું હતું કે, “મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે મેં #ShahrukhzResidencesbyDanube માં રોકાણ કર્યું છે. દુબઈ મેરીટાઇમ સિટીના મધ્યમાં સ્થિત આ એક પ્રીમિયમ, વોટરફ્રન્ટ રેસિડેન્સ છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અહીં મળતી 40થી વધુ પ્રીમિયમ સુવિધાઓ શાનદાર છે જ, પરંતુ મારું દિલ જે બાબતે જીત્યું છે તે છે અહીંનો ‘લોન્જેવિટી લાઉન્જ’. કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આવી સુવિધા મેં પહેલીવાર સાંભળી છે.”