કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને IPLની વર્તમાન સીઝનમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) તેને પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે 32 રનથી હરાવ્યું. મંગળવારે 192 રનનો ટાર્ગેટ ચેઝ કરતા કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 160 રન જ બનાવી શકી હતી. આ પહેલા ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા.
નૂરે રહાણે, ગ્રીન અને રિંકુને પેવેલિયન ભેગા કર્યા
CSK તરફથી નૂર અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન અજિંક્ય રહાણે (28 રન), કેમરtન ગ્રીન (0) અને રિંકુ સિંહ (6 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા. KKRએ 90 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રોવમેન પોવેલ અને રમણદીપ સિંહે 50+ રનની ભાગીદારી કરી હતી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા.
CSKની ઇનિંગ્સમાં સંજુ સેમસને 32 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવ્યા હતા, તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
KKR તરફથી કાર્તિક ત્યાગીએ બે વિકેટ ઝડપી હતી. વૈભવ અરોરા, અનુકૂલ રોય અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી.