કોટડાસાંગાણીમાં ગાય 2 મિનિટ સુધી યુવકને ખૂંદતી રહી

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગામના શિવનગર વિસ્તારમાં એક રખડતી ગાયે એક્ટિવા સવાર યુવક પર હિંસક હુમલો કરી 2 મિનિટ સુધી તેને ખૂંદતી રહી અને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઇને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રખડતી ગાયનો યુવક પર અચાનક હુમલો મળતી માહિતી મુજબ વેરાવળના શિવનગર શેરી નંબર-4માંથી એક યુવક પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતી એક ગાયે અચાનક યુવક પર હુમલો કર્યો હતો. ગાયે યુવકને એક્ટિવા પરથી નીચે પાડી દીધો હતો અને ત્યાર બાદ 2 મિનિટ સુધી પોતાના પગ નીચે કચડવાનું ચાલુ રાખ્યું હતું.

યુવકની ચીસાચીસ સાંભળીને આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ગાય યુવકને શિંગડા ભેરવીને ફંગોળી રહી હતી, પરંતુ સ્થાનિક લોકોએ હિંમત દાખવી લાકડીઓ વડે ગાયને માર મારી ત્યાંથી દૂર ભગાડી હતી. જોકે, લોકો સમયસર ન પહોંચ્યા હોત તો જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી.

આ હુમલામાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *