કૃષિ યુનિ.માં જુનિયર ક્લાર્કની પ્રિલિમ્સ, મેઈન્સ એક જ દિવસે ગોઠવાતા આક્રોશ

રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાણકારી મુજબ જુનિયર ક્લાર્કની કુલ 227 જગ્યા માટે પ્રિલિમ્સ અને મેઈન્સ બંને પરીક્ષા એક જ દિવસે 21 સપ્ટેમ્બર-2025એ ગોઠવવાની સંભાવના છે. સામાન્ય રીતે પ્રિલિમ્સ બાદ પરિણામ જાહેર થાય છે અને ત્યારબાદ મેઈન્સ માટે પૂરતો સમય આપવામાં આવે છે, પરંતુ આ વખતે એક જ દિવસે બંને પરીક્ષા ગોઠવવાના નિર્ણયથી ઉમેદવારો તૈયારી અંગેના ન્યાયની માગણી કરી રહ્યા છે.

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી પ્રક્રિયા 15 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન અરજીઓ મગાવવામાં આવી હતી. તાજેતરમાં જ કૃષિ યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની સીધી ભરતી માટે પાર્ટ-1 (ગુણ : 100, સમય : 60 મિનિટ) તથા પાર્ટ-2 (ગુણ : 200, સમય :120 મિનિટ)ની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ તબક્કામાં MCQ- પ્રકા૨ના પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી સંભવિત તા.21 સપ્ટેમ્બરને રવિવારના 14:00થી 17:00 કલાક દરમિયાન લેવામાં આવશે.

પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ ભરતી પ્રક્રિયાની પ્રિલિમ્સ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને એક જ દિવસમાં લેવાશે. 100 માર્કની પ્રિલિમ્સ અને 200 માર્કની મેઈન સહિત કુલ 300 માર્કની પરીક્ષા વિદ્યાર્થીએ એક જ દિવસમાં આપવાની રહેશે. સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષા લેતી સરકારની અન્ય સંસ્થાઓ પહેલા પ્રિલિમ્સ પરીક્ષા લે છે, તેનું પરિણામ આપે છે, બાદમાં મેઈન્સ પરીક્ષા લે છે. મેઈન્સ માટે તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને સમય પણ મળે છે, પરંતુ કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં બંને પરીક્ષા એકસાથે જ ગોઠવાતા ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *